કાચા રસ્તા પર જ બાળકનો જન્મ
સગર્ભાએ રસ્તા વચ્ચે આપ્યો જન્મ
ઘુમના ગામમાં રસ્તાનો છે અભાવે
મહિલાને સારવાર પહેલા જ થઈ પ્રસુતિ
મહિલા સુધી 108 પણ પહોંચી ન શકી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘુમના ગામમાં સગર્ભા મહિલાને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડી હતી.પરંતુ કાચા રસ્તાને પરિણામે મહિલાને સારવાર માટે લઇ જવામાં ભારે મુશ્કેલી સર્જાય હતી.જેના કારણે મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘુમના ગામમાં રવિતાબેન વિકેશ ડુંગરા ભીલ નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનો તેમને જોળીમાં લઈને દવાખાને જવા નીકળ્યા હતા. ગામમાં પાકા રસ્તાના અભાવે અને ડુબાણ વિસ્તાર હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી.
આંગણ છોટીઉંમર ગામના કાચા રસ્તાને કારણે ખાનગી જીપ ત્યાં ઊભી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ સાંકડીબારી ગામમાં ઉભી હતી. આખરે, લગભગ અડધો કિલોમીટરનું અંતર કાપતા જ સગર્ભાની કાચા રસ્તે પ્રસુતિ થઈ ગઈ હતી.
પ્રસૂતિ થયા બાદ, પતિ વિકેશ સાથે રૂપિયા 2000 ભાડું ચૂકવીને ખાનગી જીપ દ્વારા પ્રસુતાને સાંકડીબારી ગામના પાકા રસ્તા પર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. માતા અને બાળકને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે વિકસિત ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે,ત્યારે વહેલી તકે લોકોને સારા રસ્તા સહિતની સુવિધાઓ તંત્ર દ્વારા આપવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.