ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સમયે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતાં તેમણે રાજીનામું આપી દઈને ચૂંટણીમાં અપક્ષ ઝંપલાવ્યું હતું. જોકે ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. હવે મધુ શ્રીવાસ્તવ દ્વારા નવી સેના ઉર્ફે પક્ષની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવે આ સેનાની શરૂઆત વડોદરા શહેર-જિલ્લાથી કરીને રાજ્યકક્ષાએ અને પછી રાષ્ટ્રીય સ્તરે લઇ જવાનું સપનું સેવ્યું હોવાનું જણાવી વડોદરાના નગરજનોને ભ્રષ્ટાચારથી દૂર રાખી નાગરિકોને હક અપાવવાની ગેરંટી આપી છે.મધુ શ્રીવાસ્તવે નવો પક્ષ બનાવવાની કરી જાહેરાત, ટિકિટ કાપવામાં વડોદરા ભાજપના જ 2 મોટા નેતાઓનો હાથ હોવાના આક્ષેપ
ભાજપ સાથે રહેશો કે કેમ? તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યના હિતની વાત આવશે ત્યારે કોઈપણ પાર્ટીની સાથે ઊભો રહીશ, પછી ભલે તે ભાજપ હોય કે કોંગ્રેસ. બીજી તરફ મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે, મને ભાજપમાંથી ટિકિટ ના મળે તે માટે વડોદરાના ભાજપના 2 આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેનો વીડિયો પણ મારી પાસે છે.જોકે આ વખતે મારી હારને હું અલગ રીતે જોઈ રહ્યો છું. આગામી સમયમાં હું લોકસભાની ચૂંટણી પણ લડવાનો છું અને મારી સેનાના દમથી જ ચૂંટણી લડીશ. જો તે દરમિયાન કોઈ પણ પક્ષ સાથે વાટાઘાટ થશે તો તેની સાથે જોડાઈને હું કામગીરી કરીશ.બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી વિભાગ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, આ વખતની ચૂંટણીમાં બોગસ વોટિંગ થયું છે. તેને લઈને અધિકારીઓએ એક વખત જે બૂથમાં 98 ટકા જેવું મતદાન થયું છે તેવા બૂથના વિસ્તારોમાં જઈને મતદારોના હાથ પર શાહી ચેક કરવી જોઈએ, જેનાથી વોટિંગના વાસ્તવિક આંકડાનો અંગે પૂરતો ખ્યાલ આવે.