Connect Gujarat
ગુજરાત

મહેસાણા : PM મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું PM સ્ટેચ્યુનું કરાશે નિર્માણ

PM મોદીના જન્મદિવસની કરાશે અનોખી રીતે ઉજવણી, 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાશે.

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા. 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે, ત્યારે મહેસાણાના એચ.એલ.રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીએમના સ્ટેચ્યુની ફરતે 171 દંપતીઓ ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નજીકના દિવસોમાં આવી રહ્યો છે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આમ તો રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન થાય છે. પરંતુ આ વખતે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની કઈક અલગ જ અંદાજમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાના એચ.એલ.રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના 71મા જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે 71 ફૂટ ઊંચા આ સ્ટેચ્યુની ફરતે 171 જેટલા દંપતી દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદરૂપ થવા એપ્લીકેશન લોન્ચ કરી 71 ગામમાં કૃષિલક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે, ત્યારે મહેસાણા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીમાં સવાયું સાબિત થશે.

મહેસાણા એ વડાપ્રધાન મોદીનું માદરે વતન છે. મહેસાણાના વડનગરમાં જન્મેલા પીએમ મોદીએ આજે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યોથી પ્રેરાઈને પોતાના સ્વખર્ચે મહેસાણાના 2 યુવાનોએ અનોખા અંદાજમાં પીએમના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. મહેસાણાના બન્ને યુવાનો વડાપ્રધાનનું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે. આ બન્ને યુવાનો દ્વારા આયોજિત કાર્યક્રમને લઈને મહેસાણાવાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Next Story