SoUની મુલાકાત લેતા મંત્રી
ઉત્તરાખંડના મંત્રી બન્યા મહેમાન
સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન
વ્યૂઇંગ ગેલેરીમાંથી વિહંગમ દ્રશ્ય નિહાળ્યું
સરદાર સાહેબને પુષ્પાંજલિ કરી અર્પણ
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી,અને સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના વ્યક્ત કરી હતી.
દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જ્યંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે યોજાયેલા ભારત પર્વ કાર્યક્રમમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ,ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ અને ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. ત્યારે એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવાંજલી અર્પી હતી.
મંત્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યૂઇંગ ગેલેરી ખાતે પહોંચી સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી સહિત હરિયાળી કુદરતીનું વિહંગમ દ્રશ્ય નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયા, નાયબ કલેકટર અભિષેક સિંહા, જિલ્લાના અગ્રણીઓ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત પર્વની ઉજવણી વર્ષ 2016થી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. પણ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે ભારત પર્વને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર બનાવવા સરકાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે એકતાનગર ખાતે તારીખ 15મી નવેમ્બર સુધી ચાલનાર ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે અને એકતાના આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બનાવી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, જ્યાં વિશ્વભરના મુલાકાતીઓ એકતાનો અનોખો અનુભવ કરી રહ્યા છે.