-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ SOUના બન્યા મહેમાન
-
વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પી
-
સરદાર સરોવર ડેમની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ
-
રાષ્ટ્રપતિએ ડેમના નિર્માણની ટેક્નિકલ વિગતો મેળવી
-
જંગલ સફારી પાર્ક,એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ કરી મુલાકાત
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી,અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી.વધુમાં તેઓએ જંગલ સફારી પાર્ક તેમજ એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના વિશ્વની વિરાટ પ્રતિમા SOUની મુલાકાતે આવ્યા છે.સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા.
રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.
આ પ્રસંગે SSNNL ના ચેરમેન મુકેશ પુરી,કલેક્ટર એસ.કે.મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ SOUના CEO યજ્ઞેશ્વર વ્યાસ, SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની પણ મુલાકાત લીધી હતી.રાષ્ટ્રપતિએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી હતી.વધુમાં રાષ્ટ્રપતિએ વાગડીયા ગામ સ્થિત GMR વરલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ મુલાકાત કરી હતી,અને છેલ્લા ચાર વર્ષમાં આ સેન્ટર ખાતે 2048થી વધુ યુવક યુવતીઓએ તાલીમ મેળવી છે,અને કુલ 8 કોર્ષમાં 53 ટકા તાલીમાર્થી મહિલાઓ છે.