નવસારીમાંથી ATMમાં લોકોને છેતરી રૂપિયા ઉપાડી લેતી ટોળકી LCB પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. આ ટોળકી રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિને વાતોમાં ભોળવી ATM કાર્ડ બદલી લેવામાં માહીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
નવસારી શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એકબાદ એક ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે, ત્યારે નવસારીમાંથી ATMમાં લોકોને છેતરી રૂપિયા આંતરી લેતી ટોળકી પોલીસના હાથે ઝડપાય છે. રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિને વાતોમાં ભોળવી ATM કાર્ડ બદલી લેવામાં આ ટોળકી માહીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ATM કાર્ડ બદલ્યા બાદ વ્યક્તિના ખાતામાંથી આ સાગરીતો રૂપિયા ઉપાડી લેતા હતા. આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કના કુલ 25 ATM કાર્ડ મળી આવ્યા છે. આરોપીઓએ ચીખલીમાં એક વ્યક્તિનું ATM કાર્ડ બદલી 7,500 રૂપિયા ઉપાડી લીધા હતા, જ્યાંથી ભાગી નવસારીમાં કળા અજમાવવા જતાં પૂર્વે આ શખ્સો LCB પોલીસના હાથે ઝડપાય ગયા હતા. વધુમાં આરોપીઓએ મહારાષ્ટ્રમાં કરેલી 7 છેતરપિંડીની પણ કબૂલાત કરી હતી, ત્યારે હાલ તો પાંચેય આરોપીઓને વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપવામાં આવ્યા છે.