/connect-gujarat/media/post_banners/4fd725903a2563c0b3290acc3eedf2d60e5ef8b927cba40f3ab73b96139b2aef.jpg)
ખનીજ સંપતિ પર ભુમાફિયાઓનું રાજ અર્થતંત્રને મોટાપાયે નુકસાન પહોંચાડતું હોય છે, તેવી જ સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પોંસરી ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રેડ કરવા જતાં રેતી માફિયાઓએ હુમલો કર્યો હતો.
નવસારીના બીલીમોરા નજીકના બીગરી-પોંસરીએ થતું ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવા ગયેલા અધિકારીઓ પર રેતી માફિયાઓએ હુમલો કર્યો હતો. જેમાં અધિકારીઓને માર મારી સુપરવાઇઝરનો મોબાઇલ ફોન પણ ઝૂંટવી પકડેલી રેતીની ટ્રકો બળજબરીપૂર્વક લઈ નાસી છૂટતા 5 ઇસમો સામે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં ફરજ બજાવતા માઈન્સ સુપરવાઇઝર કમલેશ આલ, સિક્યુરિટી ગાર્ડ સરોજ પારી, નીતિન રાઠોડ અને ડ્રાઇવર નીતિશ પટેલને મળેલ સૂચના મુજબ બીલીમોરા નજીકના બીગરી-પોંસરી પાસે ચાલતી ગેરકાયદેસર રેતીખનન પ્રવૃત્તિને અટકાવવા ગત તા. 3જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રેડ કરવા ગયા હતા. તેઓએ ગોંયદી-ભાઠલા પાસે રેતી ભરેલી 2 ટ્રકને અટકાવી હતી, જ્યાં પાછળથી અન્ય 2 ટ્રક આવતા તેને પણ અટકાવી હતી. ટ્રક ચાલકની પૂછતાછ કરતા તમામ રેતી ભરેલી ટ્રકો પાસે કોઈ પાસ કે, પરમિટ ન હતી. આ દરમિયાન એક ટ્રકનો ડ્રાઇવર ભાગી છૂટયો હતો, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અધિકારી દ્વારા ટ્રક પકડતા જ રેતી માફિયાઓ દ્વારા અધિકારીને ધક્કો મારી ગાળાગાળી કરીને માર માર્યો હતો. એટલું જ નહીં, અધિકારી અને કર્મચારીઓએ મોબાઇલમાં ક્લિક કરેલા ફોટા પણ ડિલીટ કર્યા હતા. જોકે, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થતાં બીલીમોરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/07/07/redmagiccss-2025-07-07-14-37-35.png)