નવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..!

કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે,

New Update
નવસારી : વિજલપોર ઓવરબ્રિજના નિર્માણ પહેલા જમીન સંપાદનની કામગીરી નહીં થતાં વિવાદ..!

કોઈપણ શહેરની સમસ્યાઓનું નિવારણ લાવવું એ સ્થાનિક રાજકીય આગેવાનો અને પાલિકાના અધિકારીઓનું પ્રાથમિક કાર્ય છે, ત્યારે નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં મંજૂર થયેલા બ્રીજનું કામ તો શરૂ થયું છે, પરંતુ જમીન સંપાદન માટેની હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી.

વર્ષો અગાઉ નવસારી જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે જલાલપોર અને નવસારી વિધાનસભા મત ક્ષેત્રને જોડતા 3 બ્રિજોનું લોકાર્પણ કરાયું હતું. જેમાંથી એકમાત્ર ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ બન્યો છે. પરંતુ નવસારી રેલ્વે સ્ટેશન અને વિજલપોર ફાટકનો રેલ્વે ઓવરબ્રીજ હજી સુધી બની શક્યો નથી. તેમાં પણ ખાસ કરીને વિજલપોર ઓવરબ્રિજ કે, જેનું રાજકારણીઓ દ્વારા ઉદ્ઘાટન તો કરાયું હતું. મહત્વનું છે કે કામ શરૂ પણ કરાયું હતું. પરંતુ આસપાસના વિસ્તારમાં જમીન સંપાદનને લઈને વિવાદો વકર્યા છે. પાલિકા દ્વારા ઓવરબ્રિજની કામગીરી તો શરૂ કરી પાયા નાખવામાં આવ્યા, પરંતુ પશ્ચિમ વિભાગમાં ઓવરબ્રિજની ડિઝાઇનની આસપાસ અમુક ઘરો અને દુકાનો આવી રહ્યા છે. જેને સંપાદન કરવાની પ્રક્રિયા હજી પાલિકાએ પૂર્ણ કરી નથી. એ પહેલા બ્રિજના પાયા ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે જો પશ્ચિમ વિભાગના લોકો દ્વારા વળતર અથવા જમીન સંપાદનમાં અવરોધ ઊભો કરે તો પાલિકા એનું નિરાકરણ કેવી રીતે લાવશે એ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

નવસારી જીલ્લાના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા શાસકો શહેરની ગતિને વેગ આપતા હોય છે. પરંતુ બહુજન સુખાય બહુ જન હિતાઈના મંત્ર સાથે શહેરના હિતમાં કામ કરતી પાલિકા નક્કર કામગીરી ન કરી શકતા આગામી સમયમાં વાહન ચાલકો ફરી મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે. બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જ નવસારીના પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ જનારા વાહન ચાલકોની સમસ્યાનો હલ થયો છે તેમ માની શકાય. વિકાસ એટલે કે, લોકોની સમસ્યાનું નિવારણ કરી તેમને પૂરતી સહુલતો પૂરી પાડવી, ત્યારે નવસારીમાં વર્ષોથી મંજૂર થયેલા બ્રિજનું કામ હજી પણ જમીન સંપાદનના વાતે અટકી પડ્યું છે. જોકે, આવતા ચોમાસામાં પણ વાહનચાલકોએ દરબદરની ઠોકર ખાવા મજબૂર બનવું પડશે તેવો ઘાટ ઘડાયો છે. તો બીજી તરફ, ટૂંક સમયમાં જ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.

Latest Stories