માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના
લિફ્ટમાં ફસાતા 5 વર્ષીય બાળકનું મોત
નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં સર્જાઈ ઘટના
ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને બાળકને બહાર કાઢ્યું
સારવાર મળે ત્યાર પહેલા બાળકનું નીપજ્યું મોત
નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો હતો.જોકે, બાળકનો જીવ બચાવી શક્યા ન હતા.
નવસારીના નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે તે પહેલા જ પાંચ વર્ષીય સાર્થકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યો હતો.બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.
નિરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો અગાઉ વપરાતી લોખંડની જાળીવાળી લિફ્ટ છે. જેની આગળ લાકડાનો દરવાજો છે. બાળકે લાકડાનો દરવાજો પુલ કરી અંદર જવા ગયો, ત્યારે દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને લિફ્ટ અંદરની લોખંડની જાળી બંધ થાય તે અગાઉ જ લિફ્ટ શરૂ થઈ ગઈ હતી અને ઉપર તરફ જવા લાગી હતી. જેના કારણે બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગયું હતું. નજરે જોનારનું માનવું છે કે, લિફ્ટમાં સેન્સર બરાબર કામ કરતું ન હોવાને કારણે સંભવિત રીતે કોઈએ ઉપરના માળે લિફ્ટનું બટન દબાવ્યું હશે જેના કારણે લિફ્ટ ચાલુ થઈ ગઈ અને અકસ્માતની ઘટના બની.
સર્જાયેલી ઘટનાને પગલે વ્હાલ સોયાના મોતથી બારૈયા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ છે.અને ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.