નવસારી : વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર, ગણદેવી - બિલિમોરાને જોડતાં બ્રિજ પર પાણી ફરી વળ્યાં

નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ.

New Update
નવસારી : વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર, ગણદેવી - બિલિમોરાને જોડતાં બ્રિજ પર પાણી ફરી વળ્યાં

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. નવસારી શહેર અને જિલ્લાને પણ મેહુલિયાએ ભીંજવી દીધાં છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પુલ અને કોઝવે પરથી વરસાદી પાણી વહી રહયાં છે.

દક્ષિણ ગુજરાતમાં રવિવારે ગાજવીજ સાથે મેહુલિયાની સવારી આવી પહોંચી હતી. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત રીતે વરસી રહયો છે. વલસાડ બાદ નવસારી જિલ્લામાં પણ મેઘાના તાંડવના સમાચાર સામે આવ્યાં છે. ભારે વરસાદના પગલે ગણદેવી અને બીલીમોરાને જોડતા આ બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાય ગયો છે. બ્રિજની બીજી બાજુ રહેતા લોકોનો ગણદેવી નગરથી સંપર્ક તુટી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

નવાસારી શહેરના નીચાણવાળા વિજલપોર કાશીવાડી શાંતદેવી તેમજ જલાલપોર છાપરારોડ વિસ્તારો પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગણદેવીથી પણ એક સમાચાર સામે આવી રહયાં છે. જેમાં ગણદેવી ના બંધારા ગ્રાઉન્ડ પાસે આવેલ વેગણિયા નદી નો પુલ પાણીમાં ગરકાવ થતાં 250 જેટલા પરિવારો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે. વરસાદી માહોલ વચ્ચે વીજળી ડુલ થઇ જતાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

આકાશમાં થતી વિજળીઓથી લોકોના જીવ તાળવે ચોંટી રહયાં છે. વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ખેરગામમાં 2 ઇંચ, ગણદેવીમાં 3 ઇંચ ચીખલીમાં 2.5 ઇંચ,જલાલપોરમાં 6 ઇંચ અને નવસારીમાં 5 ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને હજી વરસાદ વરસવાનો ચાલુ છે.

Latest Stories