હવામાન વિભાગની આગાહીને લઈ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. જેને પગલે નવસારી જિલ્લામાં પણ ગત રાતથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજા હાજરી પુરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં ગણદેવી, નવસારી અને વાંસદામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ રાહતનો વરસાદ બનીને આવ્યો છે.
ભારે વરસાદના કારણે નવસારીમાં ઠેર ઠેર ભૂવા પડ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ તરફ ધોધમાર વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ પાણી ભરાયા હતા જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી અને વાહનચાલકોએ અટવાવાનો વારો આવ્યો હતો. નવસારી શહેરમાં વરસી રહેલા વરસાદને પગલે કોઈ પાણી ભરાવાની ઘટનાઓ ઘટે અથવા તો અન્ય ઘટના ઘટે તો એને પહોંચી વળવા માટે નવસારી શહેરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં મામલતદાર અને તેની ટીમો સર્વે માટે કામકાજ અર્થે નીકળી છે અને શહેરનો તાગ મેળવવા માટે તંત્ર સવારથી જ કામે લાગ્યું છે