આજનું બાળક એ આવતી કાલનું ભાવિ છે, અને શિક્ષણની સ્થિતિ દેશના વિકાસની દિશા નક્કી કરતું હોય છે, ત્યારે નવસારી નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સરકારની યોજના અંતર્ગત મળતા પુસ્તકો હજુ મળ્યા નથી. પાલિકાના અણધડ વહીવટના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.
નવસારી-વિજલપોર પાલિકાની પ્રા. શાળામાં અભ્યાસ કરતા છાત્રોને સતત બીજા વર્ષે પણ નોટબુક, કંપાસ નહીં અપાતા 3થી 8 ધોરણમાં અભ્યાસ કરતા ગરીબ છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે. છાત્રોને નોટબુક-કંપાસ આપવાનો ખર્ચ અંદાજે 7 લાખ જેટલો થાય છે. નવસારી-વિજલપોર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 18 જેટલી પ્રા. શાળાઓમાં ધોરણ 1થી 8માં 4 હજાર જેટલા છાત્રો અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 3થી 8માં અભ્યાસ કરતા છાત્રોને નગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી નોટબુક અને કંપાસ આપવામાં આવે છે. હાલ 3થી 8માં ભણતા છાત્રોની સંખ્યા 3200થી વધુ છે. કોરોનાના કારણે ગત વર્ષે પાલિકાએ વિદ્યાર્થીઓને નોટબુક-કંપાસ આપ્યા ન હતા. પરંતુ ચાલુ વર્ષે પણ પ્રથમ ટર્મ પુરી થઈ રહી છે. તેમ છતાં હજુ સુધી નોટબુક-કંપાસ અપાયા નથી, ત્યારે આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયામાં મોડું થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં શાળામાં અભ્યાસ શરુ થયા ને પણ બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ અભ્યાસ માટે ન તો ચોપડા અને કંપાસ હજુ સુધી પાલિકાને આપવામાં આવ્યા નથી.