ધોળાઈ બંદર ઉપર નારિયેળી પૂનમની ઉજવણી
સાગરખેડુઓ માટે નારીયેળી પૂનમ પવિત્ર દિવસ
ખલાસીઓએ કર્યું વહાણનું પૂજન
દરિયાદેવની પૂજા કરી માછીમારીની કરી શરૂઆત
સાગર ખેડુઓએ કળશ યાત્રા યોજી કર્યું પૂજન
નવસારીના ધોળાઈ બંદર દરિયા કિનારે નારિયેળી પૂનમ પ્રસંગે સાગર ખેડુઓએ દરિયાદેવની પૂજા અર્ચના કરી દરિયો ખેડવાની વિધિવત શરૂઆત કરી હતી.
નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વહાણવટના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોનો મોટો વર્ગ રહે છે. જેઓ અવારનવાર માછીમારી કરવા માટે દરિયો ખેડતા હોય છે. જેમાં નવસારીના ધોળાઈ બંદરથી માછીમાર દરિયામાં રોજગારી માટે જાય છે.દરિયાઈ પટ્ટી પર વસતા સાગરખેડુઓ નારીયેળી પૂનમના પવિત્ર દિવસે પોતાની વર્ષો જૂની પરંપરા અનુસાર સાગરદેવનું પૂજન કરી રોજગારી માટે દરિયો ખેડવાની શરૂઆત કરે છે.
માછીમાર સમાજ દ્વારા તેઓની વર્ષો જૂની પરંપરા અનુસાર આજના દિવસે એટલે કે નારિયેળી પૂનમના દિવસે નવસારીના ધોળાઈ બંદર ખાતે માછીમાર સમુદાયના મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, અને પોતાની પરંપરા અનુસાર ઢોલ શરણાઈના તાલે કળશ યાત્રા કાઢી દરિયાદેવની અને પોતાના વહાણની ખાસ પૂજા અર્ચના કરી હતી.
દરિયાદેવને નારિયેળ પધરાવી માછીમાર સમાજ પોતાની રોજગારીમાં સમૃદ્ધિ અને રક્ષણ આપવાની પ્રાર્થના દરિયાદેવને કરે છે. આજના દિવસથી જ માછીમાર સમાજ દરિયો ખેડવાની શરૂઆત કરે છે. આજના દિવસથી દરિયો પોતાનું બળ ઓછું કરે છે. જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગનો દિવસ બને છે.