લોભામણી લાલચમાં આવી અનેક લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે, ત્યારે નવસારી શહેરમાં ફાઇનાન્સ કંપની શરૂ કરી લોકોના કરોડો રૂપિયા ડુબાડી દેવાનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે. જેમાં પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક સહિત 4 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી. બેંક કરતા વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી આ ભેજાબાજે લોકો પાસે થાપણ લેવાની શરૂઆત કરી હતી. કલ્પેશ કોઠારીના સાતીર ભેજાની ઉપજ એવી આ લોભામણી સ્કીમમાં લોકો આવવા લાગ્યા અને કલ્પેશ કોઠારીને કરોડો રૂપિયાની થાપણ મળવા લાગી. બાદમાં કલ્પેશ કોઠારીએ રિઝર્વ બેંકની કોઈપણ નોંધણી વગર જ બેંક જેવા કારોબારની શરૂઆત કરી હતી, અને દરરોજ રિકરિંગ, ગોલ્ડ લોન, હોમ લોન વગેરે પણ કંપની આપશે તેવી જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. જેને લઇ રોકાણકારો આકર્ષાયા અને એક જ પરિવારના 26 જેટલા સભ્યોએ કલ્પેશ કોઠારીની પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ કંપનીમાં 2,37,22,000નું માતબર રોકાણ કર્યું હતું. આ રોકાણકારોને કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ આપવામાં આવી હતી. પરંતુ સમય જતાં રોકાણકારોએ પાકતી મુદ્દત પ્રમાણે મૂળ રકમ અને નફાની રકમની માંગણી કરી, ત્યારે ભેજાબાજ કલ્પેશ કોઠારીએ તેનો મૂળ રંગ બતાવ્યો અને રૂપિયાની ચુકવણી અંગે વાયદાઓ કરવા લાગ્યો. જોકે, આખરે આ મામલામાં રોકાણકારોને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા પોલીસનું શરણું લીધું હતું. રોકાણકારોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં કલ્પેશ કોઠારી સહિત કંપનીના 5 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જે તપાસમાં પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારીની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.