બીલીમોરામાં આતંકનો પર્યાય બનેલી તીસરી ગલી ગેંગ
તીસરી ગલી ગેંગના 6 બદમાશોની પોલીસે કરી ધરપકડ
ગેંગના સભ્યો ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતા હતા
આરોપીઓ વિવિધ ગુન્હામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું
ગુજસીટોકની કલમ હેઠળ 6 આરોપીઓની ધરપકડ કરાય
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આતંકનો પર્યાય બનેલ તીસરી ગલી ગેંગના 6 બદમાશોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તીસરી ગલી ગેંગનો અમીન શેખ સહિતના બદમાશો છેલ્લા ઘણા સમયથી ઓર્ગેનાઇઝ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતા હતા. એટલું જ નહીં, આ તમામ આરોપી ધાક-ધમકી, જમીન કબ્જો, અપહરણ, હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે ગુજસીટોક હેઠળ આરોપી અમીન અનવર શેખ, રોનક છોટાલાલ પટેલ, કેવીન નાનુભાઈ પટેલ, મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ, ગૌરવ રાજેશ ચોટલીયા અને માઝ ફકરૂદ્દીન શેખની ધરપકડ કરી છે.
તો બીજી તરફ, અન્ય આરોપી મહમદ સાબિર અંસારીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે ગુજસીટોક કાયદા હેઠળ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી પર જિલ્લા પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે.