/connect-gujarat/media/post_banners/ec015843c1f2779c2e3dd3a987c74daafded2166d5d45ac2798871bb4606cfa4.jpg)
તાજેતરમાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો પસાર કરવાનું વિધેયક ગુજરાત સરકારમાં રજૂ કરાયું છે, ત્યારે રાજ્યભરમાં કાળા કાયદાના વિરોધમાં માલધારી આગેવાનો મેદાને આવ્યા છે. ઠેર ઠેર ધરણાં પ્રદર્શન સહિત વિરોધના કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત ખાતે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ ધરણા કરવા પહોંચ્યા હતા, જ્યાં પશુ નિયંત્રણ કાયદો પાછો ખેંચવા વિરોધ દર્શાવાયો હતો.
તો બીજી તરફ સુરેન્દ્રનગર ખાતે પણ માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં પશુ સરંક્ષણ ધારાને રદ્દ કરવા માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. સરકારના નવા પશુ કાયદાને કાળા કાયદા સમાન ગણાવી માલધારી સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, સરકાર દ્વારા હાલ આ કાયદાને મોકુફ રાખવામાં આવ્યો છે, તેના બદલે રદ્દ કરવામાં આવે તેવી માલધારી સમાજે માંગ કરી છે. સાથે જ આ કાયદો રદ્દ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.