Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : જીઓ 4જી ટાવરના નામે લાખો રૂપિયા ખંખેરનાર નોઈડાના ૪ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમે ઝડપી પાડયા

દાહોદ જિલ્લાના છરછોડા ગામના એક ખેડૂતના ખેતરમાં જીઓ 4જી ટાવર ઉભો કરીને આકર્ષક ભાડું આપવાની લાલચો આપી રિલાયન્સ જીઓ 4જી મોબાઈલ ઈન્ફોકોમ લી.ના બોગસ લેટરપેડ ઉપર બોગસ એગ્રીમેન્ટ

પંચમહાલ : જીઓ 4જી ટાવરના નામે લાખો રૂપિયા ખંખેરનાર નોઈડાના ૪ આરોપીઓને ગોધરા સાયબર ક્રાઈમે ઝડપી પાડયા
X

દાહોદ જિલ્લાના છરછોડા ગામના એક ખેડૂતના ખેતરમાં જીઓ 4જી ટાવર ઉભો કરીને આકર્ષક ભાડું આપવાની લાલચો આપી રિલાયન્સ જીઓ 4જી મોબાઈલ ઈન્ફોકોમ લી.ના બોગસ લેટરપેડ ઉપર બોગસ એગ્રીમેન્ટ અને ભાડા કરારના દસ્તાવેજો કરાવીને તબક્કાવાર ૧૯.૬૦ લાખ રૂપિયાની માતબર રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવીને ઓનલાઈન છેતરપિંડી કરનાર નોઈડા (યુ.પી )ના ભેજાબાજ ચાર આરોપીઓની ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવતા હવે જીઓ 4જી ટાવર ઉભા કરવાના ઓનલાઈન છેતરપિંડી કરવાના આંતરરાજય કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સાયબર ક્રાઇમ પોલીસ ટીમના સભ્યો વ્યક્ત કરી રહ્યા છે.

ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાના તાંબા હેઠળ કાર્યરત ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એન.પરમાર દ્વારા ગરબાડા તાલુકાના છરછોડા ગામના રાજુભાઈ મથુરભાઈ ભાભોર દ્વારા ૧૯.૬૦ લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી સંદર્ભમાં આપવામાં આવેલ ફરીયાદમાં ભેજાબાજ ચહેરાઓની ચોક્કસ મોડસઓપરેન્ડીનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને પી.એસ.આઈ. આર.એ.સાઠીયા, પોલીસ કોન્સ્ટેબલો રાજેશ ગોપસિંહ, અને પ્રશાંત જયેશભાઈએ આરોપીઓ દ્વારા જે મોબાઈલ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તબક્કાવાર ફરીયાદી પાસેથી વિવિધ બેંકોમાં લાખ્ખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ તમામ વિગતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તમામ મોબાઈલ ફોનના આઈ.એમ.ઈ.આઈ. નંબરોના સહારે ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અત્યંત ગુપ્તતા પૂર્વકના સર્ચ ઓપરેશનના આધારે પી.આઈ.જે.એન.પરમાર, પી.એસ.આઈ. ડી.જે.પટેલ સમેત ૧૨ જેટલા પોલીસ કર્મચારીઓની સંયુક્ત ટીમે ચાર ભેજાબાજ આરોપીઓ નીરજ કુમાર અંતરસિંહ રહે. સી ૫- શુભમ એપાર્ટમેન્ટ સલ્ફાબાદ (નોઈડા), સન્ની ઉર્ફે રાઘવ કુમાર પાલસિંહ તૌમર રહે. ખોડા કોલોની લોકપ્રિય વિહાર (ગાઝીયાબાદ), અનીશ ભૂરે સેલ્ફી રહે. ખોડા કોલોની લોકપ્રિય વિહાર (ગાઝીયાબાદ) તથા કિશન ઉર્ફે લક્કી ગોવિંદભાઈ દાસ રહે. ચીપીયાના ખુર્દ ટીંગરી (નોઈડા)ને ઝડપી પાડીને ગોધરા ખાતે લાવીને પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ રાજ ઉર્ફે વિનોદ ઉર્ફે થાનસીંગ હરસીંગ રહે.મંડાવતી (દિલ્હી ) અને મનોજ શર્મા રહે. ખોડા (ગાઝિયાબાદ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ ટીમ હાથે ઝડપાયેલા ચાર ભેજાબાજ ચહેરાઓએ પોલીસ સમક્ષ કરેલ રજૂઆતમાં તેઓની તરકીબો એવી હતી કે તેઓ સૌપ્રથમ જસ્ટ ડાયલમાં પૈસા ભરીને બલ્ક મેસેજ મંગાવ્યા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, હરીયાણા વિગેરે રાજયોમાં મોબાઈલ ધારકોને જીઓ ૪જી ટાવર ઉભો કરવાના મેસેજ મોકલ્યા બાદ જે મોબાઈલ ધારક તેઓના પ્રલોભનોમાં આવી જાય એટલે મહિલા કર્મચારીઓ સાથે વાતચીતો કરાવ્યા બાદ વોટ્સએપ ઉપર ખેતર અગર તો જગ્યાના ફોટા અને આધારકાર્ડ મંગાવતા હતા. અને ત્યારબાદ રિલાયન્સ જીઓ કંપનીના નામે કોમ્પ્યુટર દ્વારા બોગસ લેટર બનાવીને એગ્રીમેન્ટ અને ભાડા કરારના સહી સિક્કાઓ સાથે કલર પ્રિન્ટ મોકલીને તબક્કાવાર ઉચા ભાડાની લાલચોમાં લાખ્ખો રૂપિયા ખંખેરીને વિવિધ બેંકોમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા બાદ એ.ટી.એમ. દ્વારા નાણાં ઉપાડીને જલસા કરતા હોવાના કરતૂતો આખરે ગોધરા સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડયા બાદ હવે આંતરરાજય છેતરપિંડી બહાર આવવાની સંભાવનાઓ છે.

ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા ચાર ભેજાબાજ આરોપીઓ પાસેથી છેતરપિંડી માટે ઉપયોગમાં ૮ મોબાઈલ ફોન કબજે લીધા છે. આ ઉપરાંત ૧૪ જેટલા મોબાઈલ ફોન નંબરોના ઉપયોગથી અરજદારોને પ્રલોભનો આપતા હોવાનું બહાર આવ્યું છે. એમા જીઓ 4જી કંપનીના ટાવર ઉભા કરી આપવાના આ લોભામણા ષડ્યંત્રમાં ભેજાબાજ આરોપીઓ સાત જેટલી બેંકો યુકો બેંક, પંજાબ બેંક, ફાઈલો પેમેન્ટ બેંક, સાઉથ ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્રા, યુ.બી.આઈ અને ઈન્ડિયન બેંકના અલગ-અલગ ખાતાઓમાં ઓનલાઈન નાણાં જમા કરાવીને આ રકમ ઉપાડી લેતા હતા.

Next Story