ગૌ-તસ્કરીને અંકુશમાં લેવા પોલીસનું મોટું પગલું
પોલીસ દ્વારા ગૌરક્ષા સ્કોડની રચના કરવામાં આવી
ગૌ-રક્ષા સ્કોડમાં 8 સભ્યોની વિશેષ ટીમ કાર્યરત
નવી રચાયેલી સ્કોડ 3 મુખ્ય મોરચે કામગીરી કરશે
તસ્કરી રોકવા-ગૌવંશના પુનર્વસન પ્રક્રિયા સંભાળશે
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાને અંકુશમાં લેવા માટે ‘ગૌ-રક્ષા સ્કોડ’ની રચના કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ-તસ્કરી અને ગૌ-હત્યાને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. જેમાં 8 સભ્યોની વિશેષ ટીમ કાર્યરત કરી ગૌરક્ષા સ્કોડની રચના કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતે ‘ગૌ-રક્ષા સ્કોડ’ની જાહેરાત કરી છે. આ ટીમ ગુપ્ત બાતમી મેળવવાથી લઈને તસ્કરી રોકવા અને બચાવાયેલા ગૌવંશના પુનર્વસન સુધી સમગ્ર પ્રક્રિયા સંભાળશે. નવી રચાયેલી આ સ્કોડ 3 મુખ્ય મોરચે કામગીરી કરશે. જેમાં ગુપ્ત બાતમી એકત્રિત કરવી, પેટ્રોલિંગ, નાકાબંધી અને દરોડા તેમજ ગૌવંશનો બચાવ અને પુનર્વસન કરવું મુખ્ય મુદ્દા છે.
સ્કોડ દ્વારા તસ્કરી માટે વપરાતા સંભવિત માર્ગો, અંતરિયાળ વિસ્તારો અને હાઈવે પર સઘન તથા ઓચિંતું પેટ્રોલિંગ કરવામાં આવશે. જેમાં શંકાસ્પદ વાહનોને રોકી તપાસ કરવામાં આવશે તથા ગેરકાયદેસર કતલખાના અને અડ્ડાઓ પર કાર્યવાહી હાથ ધરાશે. અત્રે મહત્વનું છે કે, પોલીસ માત્ર ધરપકડ સુધી સીમિત નહીં રહે. બચાવાયેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની સારવાર અને સંભાળની પણ જવાબદારી આ સ્કોડ નિભાવશે. સ્કોડમાં LCB, ગોધરા શહેર અને તાલુકા પોલીસ તથા વેજલપુર પોલીસ મથકના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.