જીએસટી કાઉન્સીલે ફુટવેરમાં જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરી દીધાં છે. તારીખ પહેલી જાન્યુઆરીથી નવા દરો અમલી બની ચુકયાં છે. ફુટવેરની જેમ ટેકસટાઇલમાં પણ જીએસટી 12 ટકા કરી દેવાયો હતો પણ ટેકસટાઇલ ઉદ્યોગના મંધાતાઓ સામે સરકાર ઝુકી ગઇ હતી અને જીએસટીનો દર 5 ટકા યથાવત રાખ્યો છે. ટેકસટાઇલ ઉદ્યોગને જીએસટીમાં રાહત આપવામાં આવતાં હવે ફુટવેરના વેપારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. મંગળવારે રાજયભરમાં ફુટવેરના વેપારીઓએ બંધ પાળ્યો હતો. ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર હોલસેલ મર્ચન્ટ એસોસીએશન દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું.
ભાવનગર બાદ હવે વાત ભરૂચની.. ભરૂચમાં પણ ફુટવેરની દુકાનો બંધ જોવા મળી હતી.
વાત હવે અમરેલીની. અમરેલીમાં પણ પગરખાના વેપારીઓએ તેમની દુકાનો બંધ રાખી હતી. વેપારીઓએ જીએસટીના દર 5 ટકા યથાવત રાખવાની માંગણી કરી છે.
રાજયના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ ફુટવેરના વેપારીઓની હડતાળ જોવા મળી હતી. મોટાભાગના વિસ્તારોમાં ફુટવેરની દુકાનો બંધ રહેતાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટકી ગયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરની બેઠકમાં કાઉન્સિલે ટેકસટાઈલ તથા ફૂટવેરના ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં સુધારો કરવા નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો અમલ થાય તે પહેલાં ટેકસટાઇલના વેપારીઓને રાહત આપી દેવામાં આવી છે જયારે ફુટવેરના વેપારીઓએ દરમાં ઘટાડો કરવાની માંગ સાથે લડતના મંડાણ કર્યા છે. હવે જઇશું સીધા અમદાવાદ કે જયાં અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ હાજર છે.