Connect Gujarat
ગુજરાત

વાવાઝોડાની નુકશાનીમાંથી માંડ બેઠા થયાં ત્યાં માવઠાનો માર, ખેડુતો થયાં બેહાલ

અમરેલી અને ભાવનગરમાં માવઠાથી પાકને નુકશાન કમોસમી વરસાદથી શિયાળુ પાકો પલળી ગયાં

X

ગુજરાતમાં ખેડુતોના માથે પનોતી બેઠી હોય તેમ એક પછી એક કુદરતી આફતો તેમના પાકને નુકશાન કરી રહી છે. તૌકતે વાવાઝોડાની નુકશાનીમાંથી માંડ બેઠા થયેલાં ખેડુતોના માથે હવે માવઠાનો માર પડયો છે..

તૌકતે વાવાઝોડાના કારણે ઘરબાર અને ખેતી ગુમાવનારા અમરેલી અને ભાવનગર જિલ્લાના ખેડુતોએ હિમંત હાર્યા વિના શિયાળુ પાકનું વાવેતર કર્યું.. જગતના તાતને લાગતું હતું કે શિયાળુ પાક સારો થાય એટલે દેવા અને વ્યાજના ચકકરમાંથી મુકત થઇ જઇએ પણ કુદરતને આ મંજુર ન હોય તેમ લાગી રહયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરના કારણે રાજયમાં કમોસમી વરસાદ વરસી રહયો છે. રાજયભરના માર્કેટીંગ યાર્ડોમાં ખેડુતો પોતાની ખેતીની જણસો વેચવા માટે આવી રહયાં છે તેવામાં વરસાદ વરસતાં માર્કેટ યાર્ડમાં ખેતીની જણસો પલળી ગઇ હોવાના સમાચારો આવી રહયાં છે. વાત કરીએ અમરેલીની..ગઈકાલ સાંજથી જ અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી, બગસરા, લીલીયા, લાઠી સહિતના તાલુકા મથકો પર ખેડૂતોના શિયાળુ પાકો પર આફત સ્વરૂપે આવતા જીરું, ચણા, લસણ, શાકભાજીને વ્યાપક નુકશાન કર્યું છે. કમોસમી વરસાદથી ઘાસચારો પણ પલળી જતાં પશુઓને શું ખવડાવવું તે પણ એક સવાલ પશુપાલકોને સતાવી રહયો છે.

અમરેલીની સાથે ભાવનગર જિલ્લાના ખેડુતોના પણ હાલ બેહાલ થઇ ગયાં છે. ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ગઇકાલે રાતથી વરસાદ વરસી રહયો છે. આખી રાત વરસેલા વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમા રહેલ મગફળીનો જથ્થો પલળી ગયો છે. ભાવનગરના માર્કેટીંગ યાર્ડમાં 25,000થી વધારે મગફળીની ગુણો ખુલ્લામાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત વેચાણ માટે આવેલો ડુંગળીનો જથ્થો પણ વરસાદથી નુકશાનગ્રસ્ત થઇ ચુકયો છે. તૌકતે વાવાઝોડાથી થયેલા નુકશાનનું વળતર મેળવવા ખેડુતો દોડધામ કરી રહયાં છે તેવામાં કુદરતના વધુ એક માર સામે ધરતીપુત્રો લાચાર દેખાઇ રહયાં છે.

Next Story