રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.. ખોડલધામમાંથી આપવામાં આવેલી પ્રસાદીને વર્ષો સુધી સાચવી રાખનારા પડધરીના ટીંબાડીયા પરિવારને પાટોત્સવનું યજમાન પદ આપવામાં આવતાં જ્ઞાતિજનોમાં ખુશી જોવા મળી.
પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામના પાંચમા પાટોત્સવની સાદગીપુર્ણ રીતે પણ પુર્ણ આસ્થા અને શ્રધ્ધા સાથે ઉજવણી કરવામાં આવી.. કોરોનાના કારણે અગાઉ કરેલાં તમામ આયોજનોને રદ કરી દેવાયાં હતાં. પાટોત્સવના પાવન અવસરે ખોડલધામના આંગણે રંગોળી કરવામાં આવી હતી. સવારે શાસ્ત્રોકત વિધિ સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું કે ખોડલધામની સ્થાપનામાં માત્ર પાટીદાર સમાજ જ નહી પરંતુ દરેક સમાજ નો સહકાર મળ્યો છે.
ખોડલધામના પાંચમા પાટોત્સવનું યજમાન પદ પડધરી તાલુકાના ગઢડા ગામના હરીભાઇ ટીંબાડીયાને મળ્યું છે. તેમને યજમાન પદ મળવા પાછળની કહાની રસપ્રદ છે. હરીભાઇ એક સામાન્ય ખેડુત છે જયારે ખોડલધામનો શિલાન્યાસ થયો ત્યારે લાડુની પ્રસાદી આપવામાં આવી હતી. 2011માં આપવામાં આવેલી લાડુની પ્રસાદી હરીભાઇ ટીંબાડીયા પાસે હજી હયાત છે. હરીભાઇની માતાજી પ્રત્યેની અતુટ શ્રધ્ધા જોઇ તેમને યજમાન બનવાનો લ્હાવો આપવામાં આવ્યો. હરીભાઇ ટીંબાડીયાએ ખોડલધામના સંચાલકોનો આભાર વ્યકત કર્યો હતો. પાટોત્સવમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.