Connect Gujarat
ગુજરાત

રસીકરણનો રેકોર્ડ; દેશમાં એક દિવસમાં 2.50 કરોડથી વધુ જ્યારે ગુજરાતમાં 22.15 લાખથી વધુ રસીના ડોઝ અપાયા

રસીકરણનો રેકોર્ડ; દેશમાં એક દિવસમાં 2.50 કરોડથી વધુ જ્યારે ગુજરાતમાં 22.15 લાખથી વધુ રસીના ડોઝ અપાયા
X


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.

રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 5.57 કરોડ થઇ ગયો છે. જેમાંથી 3.95 કરોડે પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંન્ને ડોઝ લઈ લીધા છે. દેશમાં કુલ સૌથી વધુ વેક્સિનેશનના ડોઝ અપાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 9.31 કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર 7.18 કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ 5.61 કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને રાજસ્થાન 5.27 કરોડ સાથે પાંચમાં સ્થાને છે.

આ રેકોર્ડની પ્રશંસા કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, "દરેક ભારતીય આજે રેકોર્ડ સંખ્યામાં કરવામાં આવેલા રસીકરણને લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આપણા ડોક્ટરો, સંશોધકો, તંત્ર, નર્સો, સ્વાસ્થ્ય સેવા અને અગ્રિમ મોરચાના તમામ કર્મચારીઓની હું પ્રશંસા કરું છું. કોવિડ-19ને હરાવવા માટે રસીકરણ વધારતા રહો."

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસખ માંડવિયાએ ટ્વીટ કર્યું, "વેક્સીન સેવા ચરિતાર્થ કરતા સ્વાસ્થ્યકર્મીઓ અને દેશવાસીઓ તરફથી વડાપ્રધાન મોદી જીને ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે ભારતે નવો કીર્તિમાન સ્થાપિત કરતા એક જ દિવસમાં અઢી કરોડ ડોઝ આપવાનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે."

દેશમાં છઠ્ઠી સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ, 27 ઓગસ્ટના રોજ એક કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા. માંડવિયાએ ગુરુવારે કહ્યુ હતુ કે જેમણે કોરોનાની વેક્સીન નથી લીધી તેઓ પોતે, પરિવારના લોકો, સમાજના લોકો શુક્રવારે વેક્સીન લગાવીને વડાપ્રધાન મોદીને જન્મ દિવસની ભેટ આપે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં રસીકરણના 10 કરોડના આંકડા સુધી પહોંચતા 85 દિવસ લાગ્યા હતા. જેના 45 દિવસમાં 20 કરોડ ડોઝ તથા 29 દિવસ પછી 30 કરોડ ડોઝનો આંકડો પાર થઈ ગયો હતો. જ્યારે 30 કરોડથી 40 કરોડ સુધી પહોંચતા 24 દિવસ લાગ્યા હતા. જેના 20 દિવસ પછી છઠી ઓગસ્ટના રોજ આંકડો 50 કરોડ પહોંચી ગયો હતો. તેના ફક્ત 13 દિવસમાં રસીકરણનો આંકડો 60 કરોડ સુધી પહોંચી ગયો હતો. મંત્રાલય પ્રમાણે 13 સપ્ટેમ્બર, 2021 સુધી દેશમાં 75 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

દેશમાં 16 જાન્યુઆરીના રોજ પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. અગ્રિમ મોરચા પર રહેલા કર્મચારીઓ માટે બીજી ફેબ્રુઆરીના રોજ રસીકરણ શરૂ થયું હતું.

Next Story