આજરોજ તા. 6 સપ્ટેમ્બર એટલે ગીધ જાગૃતિ દિવસ
સમગ્ર રાજ્યમાં ગીધની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ગીધ પક્ષી
સફાઈ કામદાર તરીકે કામ કરતું એકમાત્ર ગીધ પક્ષી
વન વિભાગે ગીધના સંવર્ધન માટે ચિંતા વ્યક્ત કરી
સુરેન્દ્રનગર જીલ્લાના વિવિધ ગામોમાં આપણને ગીધ પક્ષી જોવા મળે છે, ત્યારે ગીધ જાગૃતિ દિવસ અંતર્ગત ગીધની જાળવણી થાય તેમજ તેની સંખ્યામાં વધારો તે માટે ઘુડખર અભ્યારણ વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે, ત્યારે આ પક્ષીને બચાવવા માટે શું કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધી શકે, તે બધી બાબતો વધુ મહત્વની છે. ઉલ્લેખનીય છે કે, ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે, અને તેની સંખ્યા પહેલા ઘણી બધી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે.
સુરેન્દ્રનગરની વાત કરીએ તો જિલ્લામાં ભારદ, અખિયાણા, પીપળી, મોટી માલવણ, ચંદ્રાસર, રાજચરાડી, મેથાણ, જેવા ગામડામાં તેમજ ગ્રામ્ય વિસ્તારની સીમ તથા તળાવના કાંઠે ગીધની સંખ્યા જોવા મળે છે. અહી આશરે 40થી વધુ ગીધ જોવા મળે છે.
હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારી તેમજ તેમનો સ્ટાફ આ વિસ્તારની અવાર નવાર મુલાકાત લઈને ગીધ વિષેની માહિતી મેળવે છે. આ સાથે જ સ્થાનિક લોકોને પણ ગીધને બચાવવા માટે શું કરવું જોઈએ અને નજીકના વિસ્તારમાં તેમને પૂરતો ખોરાક મળી રહે તે માટે માર્ગદર્શન આપી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.