સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. બનાવના પગલે વન વિભાગ સહિત પોલીસ વિભાગે રીંછને પાંજરે પુરવા રેસક્યું હાથ ધર્યું હતું.
હાલ ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમીને લઈ વન્યપ્રાણીઓ ખોરાકની શોધમાં આમતેમ ફરી રહ્યા છે, ત્યારે હિંમતનગરના વીરપુર ગામમાં આવેલ રેલ્વે કોલોની બાજુની સરકારી ગૌચર જમીનમાં રીંછ આવી ચઢ્યું હતું. જોકે, ગામના કેટલાક શ્રમિકો ખેતી કામ અર્થે જતાં હતા. તે દરમ્યાન રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, અન્ય લોકો આવી જતાં રીંછ ત્યાથી નાસી છૂટ્યું હતું.
જોકે, રીંછના હુમલામાં બન્નેને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વીરપુર ગામમાં રીંછ આવી ચઢતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વન વિભાગના અધિકારી સહિત ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું હતું, ત્યારે હાલ તો રીંછને વહેલી તકે પાંજરે પુરવા વન વિભાગ સહિત પોલીસ વિભાગે રેસક્યું હાથ ધર્યું છે.