સાબરકાંઠાના હીમતનગર ખાતે યોજાયેલા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારોહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે સંબોધન કર્યું હતું. સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા
હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ પેટા ચૂંટણી, મહાનગર પાલિકાની ચૂંટણી, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી તે દર્શાવે છે કે ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી જીતાડવા સક્ષમ છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, દરેક કાર્યકર ચૂંટણીમાં ટીકિટ માંગી શકે છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે.તેઓએ વધુ એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે ભાજપની સરકારમાં ભાજપના કાર્યકરને નોકરી મળે જ અને કાર્યકારનું ધ્યાન ન રાખનાર ચેરમેન મંત્રીઓનો હિસાબ થઈ જશે
સી.આર.પાટીલે હિંમતનગરમાં નોકરી બાબતે આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ કરતા આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે એક કરોડ ભાજપના કાર્યકર્તામાંથી કેટલા લોકોને નોકરી અપાવી અને તેમાથી કઇ પરીક્ષા પાસ કરી છે તે જાહેર કરે . ભાજપના સક્રીય કાર્યકર્તામાં કોઈ ને નોકરી મળતી હોય તો સી.આર .પાટીલને કોલ કરીને જાણ કરો કે મારા દીકરાને નોકરી નથી મળતી પછી મળે છે કે નહિ એ જાહેરમાં આવીને કહે. આ કંઈ સરકાર ભાજપની પેઢી નથી આ સરકાર ભાજપને જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર છે. ગમે તે લોકોને ભાજપ સરકાર નોકરી ના આપી શકે.