સાબરડેરી સામે પશુપાલકોનું દૂધ બંધ આંદોલન યથાવત
કેટલાક પશુપાલકો દૂધ ઢોળી કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
તો કેટલાક દૂધ ઉત્પાદકોનો દૂધ ન ઢોળી અનોખો વિરોધ
જરૂરિયાતમંદો અને શાળાના બાળકોને કર્યું દૂધનું વિતરણ
દૂધનો વ્યય ન કરી યોગ્ય રીતે વિરોધ દર્શાવવાની અપીલ
સાબરડેરી સામે પશુપાલકોનું દૂધ બંધ આંદોલન દિવસેને દિવસે વધી રહ્યુ છે, ત્યારે કેટલાક પશુપાલકો દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે, તો સામે કેટલાક દૂધ ઉત્પાદકો દૂધ ન ઢોળી અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે ગત 14 તારીખે પશુપાલકો ભાવફેરને લઈ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ પશુપાલકોની રજુઆત સાંભળવા કોઈ પહોચ્યુ ન હતુ, અને અચાનક જ ઘર્ષણ સર્જાતા પથરાવ થયો હતો.
એ દિવસથી જ પશુપાલકોએ વિરોધ દર્શાવી દૂધ બંધ કર્યુ હતું, અને આજ સુધી અલગ અલગ રીતે દૂધ બંધ કરી વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે કેટલાક પશુપાલકો દૂધ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળી જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ આપી રહ્યા છે.
પશુપાલકોની 3 માંગ હવે મુખ્ય બની છે, જેમાં પશુપાલકોને 20 ટકાથી વધુ ભાવ ફેર, જે ખોટા કેસ કરેલ છે તેમને મુક્ત કરવા અને જે પશુપાલકનું મોત થયું છે, તેના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ.
હિંમતનગરના હડીયોલ દુધ મંડળીમાં દૈનિક 1300 લિટર દૂધની આવક થાય છે, ત્યારે 15 તારીખથી અહી દૂધ બંધ કરવામાં આવ્યુ છે, અને 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિક, પ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું.
ગામના યુવાનો દ્વારા દૂધનો વ્યય ન કરી તેને યોગ્ય રીતે જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી રહ્યા છે. જેના કારણે બાળકોમાં પણ ખુશી જોવા મળી છે. તમામ પશુપાલકોને પણ ગામલોકો અપીલ કરી રહ્યા છે કે, દૂધ ઢોળવુ ન જોઈએ પણ જરૂરિયાતમંદ સહિત શાળામાં આપી યોગ્ય વિરોધ દર્શાવવો જોઈએ.