Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હવે, શાકભાજીના ભાવમાં પણ ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું...

જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ જનતાને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. તેલ અને મરી મસાલાના ભાવ તો આસમાને જ હતા, ત્યારે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો થતા મધ્યમવર્ગના પરિવારોને છાશ રોટલીથી દિવસો કાઢવા પડે તેવી સ્થિતી આવી પડી છે.

પ્રાંતિજ નગરમાં જે શાકભાજી રૂ. 20થી 30 કિલોના ભાવે મળતા હતા. તેનો ભાવ અચાનક 80 રૂ. કિલો થઈ ગયો છે. લીંબુના ભાવ તો 200 રૂપિયે કિલો બોલાતા ગૃહિણીઓમાં ચિંતા પ્રસરી છે. જોકે, હવે મહિલાઓ માટે રસોઈમાં શું બનાવવું તે પ્રશ્ન વિકટ બન્યો છે. તહેવારોની સિઝન શરૂ થતાં જ પ્રાંતિજ નગરમાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલ, દાળ, કઠોળના ભાવો આસમાને આંબી ગયા છે, ત્યારે હવે શાકભાજીના ભાવોમાં પણ ભડકો થતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે.

ટૂંકી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે વધતાં જતાં રસોડાના ખર્ચથી જીવન નિર્વાહ કરવું કપરૂ બન્યું છે, ત્યારે હવે દેશમાં વધતી જતી મોંઘવારીથી લોકો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ નગરમાં શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

Next Story