સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમીના દિવસે જ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. રામલલ્લાની શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર, હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં હિન્દુ ધર્મના પાવનપર્વ રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હિંમતનગરમાં પરિસ્થિતિ કાબૂ બહાર આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા. એટલું જ નહીં પોલીસ અને પોલીસના વાહનો ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટના સ્થળે પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જોકે, 2 જૂથોના આમને સામને આવવાથી થયેલ પથ્થરમારાના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. રાજ્યમાં કોઇપણ પ્રકારની અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે પોલીસ નજર રાખી રહી છે. તેમ છતા હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયત્રા નીકળતા અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં વાતાવરણ ગરમાયું છે.