ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતા તેમના વતન ઇડરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રામાયણ સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે હકિકતમાં મોટા રામ ભક્ત છે, તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ 'રામાયણ' સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.
અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જુનુ મકાન હાલ પણ હયાત છે. તો ઈડર રોડ પર પણ તેમનો બંગલો આવેલો છે જ્યાં પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે. તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મનાં સુપરસ્ટાર હતા. આમ તો અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જેથી તેમને ગુજરાતી ફિલ્મના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા.