સુરત : ભેસ્તાન આવાસમાં છતના પોપડા ખર્યા, એક વર્ષીય બાળકીનું મોત

આઠ વર્ષ પહેલા બનેલા આવાસો ખખડધજ બની ગયાં, સુતેલા પરિવાર ઉપર અચાનક પડયો છતનો કાટમાળ.

New Update
સુરત : ભેસ્તાન આવાસમાં છતના પોપડા ખર્યા, એક વર્ષીય બાળકીનું મોત

સુરતના ગોલવાડામાં મકાન ધરાશાયી થવાની ઘટનાની શાહી સુકાય નથી ત્યાં ભેસ્તાનમાં આવાસની છત તુટી પડતાં કાટમાળ નીચે દબાઇ જવાથી એક વર્ષની બાળકીનું મોત થયું છે જયારે તેના માતા-પિતાને ઇજા પહોંચી છે.

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસ ટુંકા ગાળામાં જ ખખડધજ બની ગયાં છે. આવાસોમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહયાં છે. હજી તો ચોમાસાની બરાબર જમાવટ થઇ નથી તે પહેલાં આવાસોના પોપડા ખરવા માંડયાં છે. રવિવારના રાત્રિના સમયે એક આવાસની છતના પોપડા ખરી જતાં માસુમ બાળકીને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો છે. ઘટના બાદ આવાસોના બાંધકામ સામે પણ સવાલો ઉભા થયાં છે અને સ્થાનિક રહીશોમાં પાલિકા સત્તાધીશો પ્રતિ રોષ ફાટી નીકળ્યો છે. રવિવારે ખાંડે પરિવારના માતા -પિતા અને તેમની એક વર્ષની બાળકી મીઠી નીંદર માણી રહયાં હતાં તે સમયે અચાનક છતના પોપડા ખરીને સુતેલા પરિવાર પર પડયાં હતાં. અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં અને ત્રણે ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે ખસેડયાં હતાં.

ગંભીર ઇજાના પગલે એક વર્ષીય સિયા ખાંડેએ જીવ ગુમાવી દીધો હતો. મૃતકના ફોઇએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા.મોટી દીકરી હર્ષિતા નીચે નાનાને ત્યાં સૂવા જતા બચી ગઈ હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા હાઉસ વાઇફ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ એમપીના રહેવાસી ખાડે પરિવાર આઘાતમાં સરી ન જાય એ માટે દીકરીના મોતથી અજાણ રખાયા છે.મધ્યપ્રદેશનો મુળ વતની એવો પરિવાર ભેસ્તાન આવાસમાં ભાડેથી રહેતો હતો..

Latest Stories