Connect Gujarat
ગુજરાત

સુરત : ભેસ્તાનમાં આવાસની છત તુટી પડતાં બાળકીનું મોત, ફલેટધારકોનો પીએમ રૂમની બહાર દેખાવો

ભેસ્તાનમાં બનેલી ઘટના બાદ લોકોમાં ફેલાયો રોષ, મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી આવાસમાં રહેતો હતો.

X

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવાસની છતનો કાટમાળ પડવાના કારણે એક વર્ષીય બાળકીનું મોત થયું છે જયારે તેના માતા-પિતાને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા આવાસના રહીશોએ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાવો યોજી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

સુરતમાં ગોલવાડ બાદ હવે ભેસ્તાનમાં મકાન તુટવાની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં બનાવવામાં આવેલાં આવાસો આઠ વર્ષમાં જ જર્જરીત બની ગયાં છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો જીવના જોખમ સાથે આવાસોમાં વસવાટ કરી રહયાં છે. ભેસ્તાન આવાસમાં મુળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી રહેતો હતો. ગત રાત્રિના સમયે માતા-પિતા અને તેમની પુત્રી ઉંઘી રહયાં હતાં તે સમયે અચાનક છતના પોપડા ખરવા લાગ્યા હતાં. સિમેન્ટ અને કોંક્રિટના મોટા ટુકડાઓ પરિવારના સભ્યો પર પડયાં હતાં. અચાનક થયેલા અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં. તેમણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તબીબોએ મૃત ઘોષિત કરી હતી.

આ પરિવારની અન્ય દીકરી નાનાના ઘરે સુવા માટે ગઇ હોવાથી તેનો બચાવ થયો હતો. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. બાળકીના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા શરૂ કર્યા હતા.પરિવારે ન્યાયની માંગ કરી હતી.તંત્રની કામગીરી પ્રત્યે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. મૃતક બાળકીના પરિવારને આર્થિક સહાય ચુકવવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

Next Story