Connect Gujarat
ગુજરાત

સુરત : પાણીમાં કોરોનાના અંશો શોધી કાઢવા તંત્રની કવાયત

તાપી નદી સહિત અગિયાર જેટલા સેમ્પલ લેવાયા, તમામ સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા.

X

રાજ્ય સરકારની સૂચના બાદ પાણીમાં કોરોનાના અંશ શોધી કાઢવા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી સહિતના અલગ અલગ સ્થળોએથી અગિયાર જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. જે સેમ્પલો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. પાણીમાંથી કોરોનાના અંશો શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે પાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત તાપી નદીમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રેનેજમાંથી પણ સેમ્પલો લેવાયા છે. જે સેમ્પલો પાલિકાએ તપાસ અર્થે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે મોકલી આપ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા રિપોર્ટની હાલ તો રાહ જોવાઈ રહી છે.

અમદાવાદમાંથી જે પ્રકારે પાણીમાંથી કોરોનાના અંશ મળી આવ્યા છે, તેને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવતા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ઉપરાંત સુરતમાં કોરોનાના કેસો ઘટતા પ્રથમ લીંબાયત ઝોન કોરોના મુક્ત ઝોન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની થર્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈ તંત્ર દ્વારા હમણાંથી અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Next Story