સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાછા ગામની સુરત ડિસ્ટ્રીક બેન્કના ATMમાંથી તસ્કરોએ 8.90 લાખ રૂપિયાનો હાથફેરો કરી લેતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડ વગરના વધુ એક ATM માંથી રોકડ રકમ ચોરી થવાની ઘટના બની છે. ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલ 5થી 6 જેટલા અજાણ્યા ઈસમોએ માંગરોળના વેલાછા ગામના ડિસ્ટ્રીક બેન્કના ATM ને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગેસ કટરથી ATM તોડી તેમાં રહેલ રૂપિયા 8.90 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી ફારર થઈ ગયા હતા.
જોકે, વેલાછા ગામની બહાર નીકળતા જ તસ્કરોની કારમાં પંચર પડ્યું હતું, ત્યારે કારને ત્યાં જ સાઈડમાં પાર્ક કરી તસ્કરો ફરી ગામમાં આવ્યા હતા. ત્યારબાદ બેન્ક પાસે રહેતા એક રહીશની બજારમાં પાર્ક કરેલી કાર લઈને નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.