સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા-માલવણ ગામ વચ્ચેના માર્ગ પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 2 યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વેળા મોત થયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેથી કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ છે. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, મૃતક યુવકો ગેડિયા ગામના રહેવાસી વસીમખાન ગેડીયા, જાવેદખાન ખેરવા અને હજરતશા રસુલશા ખેરવા હોવાનું સામે આવ્યું છે.