દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ગાંધીનગર વનવિભાગની ટીમ દ્વારા કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર મળી આવી છે. આથી વેરાન રણ બન્યું સુરખાબ પક્ષીઓનું અનોખું મેટરનિટી હોમ બનવા પામ્યું છે.
વેરાન રણમાં અસ્તિત્વમાં 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે.
જેમાં ગાંધીનગર વનવિભાગની ટીમ દ્વારા કૂડા-કોપરણી રણમાં સુરખાબની અનોખી લાઇનબધ્ધ માળા વસાહત હોવાની સેટેલાઇટ તસ્વીર મળી આવી છે. પરંતુ હાલમાં ભારે વરસાદના પગલે અને સરસ્વતી, બનાસ અને રૂપેણ સહિતની નદીઓના ચિક્કાર પાણી રણમાં ઠલવાયા હોવાથી હાલમાં આખુ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. આથી બજાણા અભ્યારણ્ય વિભાગમા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહીતની ટીમ હજી રણમાં જઇ શકી નથી. આથી એકાદ બે દિવસમાં આ ટીમ રણમાં જઇને કેટલા પક્ષીઓ, કેટલી માળા વસાહતો અને કેટલા બચ્ચાઓની વિગત મેળવી ફોટોગ્રાફી સાથેનો રીપોર્ટ તૈયાર કરી ગાંધીનગર વનવિભાગને મોકલી આપવામાં આવશે.
સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. અને ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે.
નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. તેમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગષ્ટ-1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25,000થી 30,000 જેટલા માળા, 30,000 જેટલા પુખ્ત ઉંમરના પક્ષીઓ અને 25,000 જેટલા બચ્ચાં હતા.
5000 ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે 2 લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યા છે. હાલમાં આ 2લાખથી વધુ પક્ષીઓ સામેં અભ્યારણ્ય વિભાગમાં 1 આર.એફ.ઓ., 6 રાઉન્ડ ફોરેસ્ટર, 4 બીટગાર્ડ મળી માત્ર કુલ 11જણાનોં જ સ્ટાફ છે.
બજાણા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનીલભાઇ રાઠવાએ જણાવાયું હતું કે, ગાંધીનગર વનવિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટીંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી છે. ભારે વરસાદના પગલે રણમાં પુષ્કળ પાણી આવ્યું હોવાથી અમે લોકો ટ્રેક્ટર લઇને ગયા હતા પણ ટ્રેક્ટર પણ કાદવમાં ફસાઇ ગયા હતા. ત્યારબાદ પગપાળા ગયા તો કાદવમાં ચાર-પાંચ કિ.મી.ચાલીને સ્ટાફ થાકી ગયો હતો. એકાદ બે દિવસમાં રણમાં પાણી ઓછુ થતાં ફરી ટ્રેક્ટર લઇને લોકેશન પર જઇશુ. ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ નેસ્ટીંગ કરવાની શરૂઆત કર્યા બાદ 200-300 જેટલા માળા બનાવ્યા બાદ રણમાં મુશળધાર વરસાદથી એમનું નેસ્ટીંગ નિષ્ફળ ગયું હતુ.