સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પ્રદેશ કારોબારીની 2 તબક્કામાં બેઠક યોજવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરેન્દ્રનગર શહેરની પ્રેસિડન્ટ હોટલ ખાતે તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જ્યાં આગામી સમયમાં જે કામગીરી કરવાની છે, તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓઓ પાસે વિવિધ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તો બીજા તબક્કામાં સુરેન્દ્રનગર શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાય હતી. જેમાં સંગઠનના નેતાઓ અને ધારાસભ્યો અને ખાસ કરીને પધારેલા આમંત્રિત કાર્યકર્તાઓ સાથે અંદાજિત 80 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાની તમામ બેઠકો જીતવા માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારે આગામી સમયમાં કરવાની કામગીરી અંગે વિવિધ પ્રકારની જવાબદારીઓ પણ ભાજપના કાર્યકર્તાઓને આ બેઠક દરમ્યાન સોંપવામાં આવી છે.