-
ધાંગધ્રાના પરિવારનો માળો પિંખાયો
-
લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વેળા કાળ ભરખી ગયો
-
ઇકો કાર ટ્રકમાં અથડાતા સર્જાયો ગોઝારો અકસ્માત
-
ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા
-
ચાર ઈજાગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ઉભેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી જતા ધડાકાભેર અથડાય હતી.અને સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા,તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સને સમગ્ર મામલે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ, પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાને પગલે સમગ્ર હાઈવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ધાંગ્રધાનો પરિવાર અમદાવાદ ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો,તે દરમિયાન પરિવારના પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ ઉંમર વર્ષ 56 , વિશાલભાઈ કમલેશભાઈ મારુ ઉંમર વર્ષ 24, કિશોરભાઈ મોહનભાઈ ડાભી ઉંમર વર્ષ 65નાઓ કાળનો કોળિયો બન્યા હતા.જ્યારે ચેતનાબેન કમલેશભાઈ મારુ ઉંમર 40,ભાવિનભાઈ ગીરીશભાઈ મારુ ઉમર 28,કૌશલભાઈ ભાવિનભાઈ મારુ ઉંમર 9,કમલેશભાઈ ખીમજીભાઇ મારુ ઉંમર 55ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરા ચીરીને મૃતદેહ તેમજ ઇજાગ્રસ્તને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.