/connect-gujarat/media/post_banners/4bf1877dd5cd5c0a5822f034a068e5f05431298731a662d9269e118faa427eed.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મથકે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ સાયલા રુટની એસટી. બસોમાં વિદ્યાર્થીઓ સાથે થતાં દુર્વ્યવહાર સામે રામધૂન બોલાવીને વિરોધ દર્શાવાયો હતો.
સુરેન્દ્રનગરના લખતરના વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓનો અંત ક્યારે આવશે તે સહિતના મુદ્દે લખતર તાલુકાના મથકે અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓએ એસટી. નિગમ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી શાળાએ આવવા-જવા માટે એક્સ્ટ્રા બસ શરૂ કરવા માંગ ઉઠી છે। કડુ, ઓળક, છારદ, ભાસ્કરપરા, વિઠ્ઠલગઢ સહિત ગ્રામ્ય વિસ્તારના 200 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવા જેવો ઘાટ ઘડાયો છે. શાળાએથી છૂટ્યા બાદ પણ યોગ્ય સમયે બસ નહીં મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ, સુરેન્દ્રનગર-સાયલા રૂટના બસ કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવા મામલે સુરેન્દ્રનગર એસટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સુરેન્દ્રનગર, સાયલા, ગોખરવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, બસ ડેપોમાં અધિકારીઓ હાજર ન રહેતા વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં જ રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ ગેરવર્તન કરનારા બસ કંડક્ટરો સામે પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.