સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક કમલમ ફ્રુટના વાવેતરથી બમણી આવક મેળવી છે, ત્યારે અન્ય ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
હાલ સમગ્ર રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. તો બીજી તરફ, રાજ્ય સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન સાથે માર્ગદર્શન આપે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત સુધીર પટેલ દ્વારા પોતાની વાડીમાં 48 હજાર જેટલા કમલમ ફૂટ અને તે પણ ઓર્ગેનિક એવા છોડનું વાવેતર કર્યું છે. ખેડૂત સુધીર પટેલ આ છોડ હૈદરાબાદથી લાવ્યા હતા. એક છોડની કિંમત 80 રૂપિયા હતી. હાલ વરસાદી માહોલના કારણે એક છોડ દીઠ 800 ગ્રામથી એક કિલો સુધીના કમલમ ફ્રુટનું ઉત્પાદન મળવાની શક્યતા છે.
જોકે, 40 દિવસમાં કમલમ ફ્રુટ તૈયાર થઈ જતું હોય છે, જેથી વર્ષ દરમ્યાન 4થી વધુ વખત પાક લઈ શકાય છે. હાલ બજારમાં ઓર્ગેનિક કમલમ ફ્રુટનો એક કિલોનો ભાવ 150થી લઈને 200 રૂપિયા સુધીનો છે. આ કમલમ ફ્રુટ ઓર્ગેનિક હોવાથી લોકલ ગ્રાહકોની સાથે ફ્રૂટના વેપારીઓ પણ ખરીદી કરવા માટે આવે છે. હાલ તો પ્રગતિશીલ ખેડૂત સુધીર પટેલ ઓર્ગેનિક કમલમ ફ્રુટની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે, ત્યારે અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી તરફ વળવા તેઓએ પ્રેરણા આપી છે.