/connect-gujarat/media/post_banners/72dbe1a61884e32115f20b2620c5352b31923c4060dccf6957cf753f150fc96e.jpg)
સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે, ત્યારે સરકાર દ્વારા નર્મદા કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી અચાનક બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અને ઉનાળુ વાવેતર પર તેની અસર પડે તેમ લાગી રહ્યુ છે.
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારિત જીલ્લો છે, અને ખેડૂતો અલગ અલગ સિઝન મુજબ વિવિધ પાકોનું વાવેતર કરી નીપજ મેળવી સમૃદ્ધ બન્યા છે. જેમાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે ખેડૂતોને મોટાપાયે શિયાળુ પાકમાં નુકશાની પહોંચી હતી. જે નુકશાની અંગે સરકાર દ્વારા પણ સર્વેમાં ઓછું નુકશાન દર્શાવતા નુકશાનીનું વળતર મળ્યું નહોતું. આથી જીલ્લાના ખેડૂતોએ અનેક આશાઓ સાથે અંદાજે 35 હજાર હેકટર જમીનમાં વિવિધ પાકો જેમ કે, તલ, જુવાર, ગમ, ગુવાર, ઘાસચારો, શાકભાજી વગેરેનું વાવેતર કર્યુ છે, અને નર્મદા કેનાલ મારફતે સિંચાઈનું પાણી મેળવતા હતા. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને કોઈપણ જાતની જાણ કર્યા વગર કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોએ તલ, જુવાર જેવા પાકોને 2 વખત પાણી પાઈ દીધું હતું, અને માત્ર એક જ પાણી આપવાનું બાકી હતું. તેવા સમયે જ સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં સરકાર સામે નારાજગી જોવા મળી હતી, જ્યારે ઉનાળુ પાકને અંદાજે 30થી 40 ટકા જેટલું નુકશાન થવાની શક્યતા છે. એક તરફ સરકાર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોને નર્મદા કેનાલ દ્વારા નિયમિત અને પૂરતું પાણી આપવાની વાતો અને જાહેરાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી બંધ કરી દેતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આથી સરકાર દ્વારા ઉનાળુ પાકને બચાવવા કેનાલમાં ફરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.