-
ધ્રાંગધ્રા ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું આયોજન
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન
-
વર્તમાન ગુરુકુળો દ્વારા પ્રાચીન જ્ઞાન પરંપરાનું અનુસરણ
-
બાળકોના ઘડતર-માનવતા નિર્માણનું ઉમદા કાર્ય : રાજ્યપાલ
-
નવી શિક્ષણનીતિ સમાજ નિર્માણ માટે ઉપયોગી : રાજ્યપાલ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના 100થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ-ગુરુકુળ ખાતે 'ગુજરાત ગુરુકુળ મહાસંમેલન'નો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેઓએ ગુરકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યુ હતું કે, પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો. બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું. બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. રાજ્યપાલએ ભારતની આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા 'ગુજરાત ગુરુકુળ મહાસંમેલન'ને સુંદર પહેલ ગણાવી હતી.
આ સાથે જ નવી શિક્ષણનીતિ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાંચજન્યના સંપાદક હિતેશ શંકર, સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ-ધ્રાંગધ્રાના સ્થાપક રામકૃષ્ણદાસ સ્વામી, ભારત પ્રકાશન લિ.ના નિર્દેશક વ્રજબિહારીજી, વડતાલ ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશદાસજી, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સહિત ગુજરાત રાજ્યના 100થી પણ વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.