/connect-gujarat/media/post_banners/ef1e32778c623ffa6b8bbe48b542104a18754c336c96f5add140b4185963b98f.jpg)
સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ધ્રાંગધ્રા આર્મી, પોલિસ અને આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તાકીદે ગાજણવાવ ગામે દોડી જઇ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો બાદમાં આર્મી દ્વારા બાળકીને હેમખેમ બચાવી લેવામાં આવી છે. આર્મિના જવાનોએ 12 વર્ષની બાળકી મનીષાને હેમખેમ બહાર કાઢી એના પરિવારજનોને સોંપાતા પરિવારજનો ખુશી સાથે ચોંધાર આંસુએ એને ગળે વળગીને રડી પડતા હાજર સૌ લોકોના આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. બાદમાં 12 વર્ષની બાળકીને બેભાન અવસ્થામાં તાકીદે સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાનમાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી.