-
ધ્રાંગધ્રામાં મહિલાઓ બની છેતરપિંડીનો ભોગ
-
પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવમાં રોકાણ કરાવી કૌભાંડને અંજામ આપ્યો
-
100 થી વધુ મહિલાઓ બની કૌભાંડનો ભોગ
-
રૂપિયા પોણા એક કરોડનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર
-
એજન્ટો અને કર્તાહર્તાઓ ઓફિસને તાળા મારી ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે પોણા એક કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં રોકાણ કરાવી કૌભાંડને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં જ BZ ગ્રુપના કૌભાંડે પોલીસ તંત્ર સહિત રાજકીય ઈમારતોને પણ ધ્રુજાવી દીધી છે,ત્યારે હજી આ પોન્ઝી સ્કીમના કૌભાંડીઓ પોલીસ પકડથી દૂર છે ,ત્યાં જ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100થી વધુ મહિલાઓને શિકાર બનાવી એક જ ગામમાંથી રૂપિયા પોણા એક કરોડનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.
મહિલાઓ પાસે દર વર્ષે રૂપિયા 12,000 લેખે છ વર્ષના રૂપિયા 72,000 રોકડા અને રૂપિયા 1,000 વીમાના મળી કુલ રૂપિયા 73,000નું રોકાણ કરી એમને પછી રૂપિયા 98,000 પાછા આપવાનો વાયદો કર્યો હતો,અને એ માટે એજન્ટો રોકી ગુજરાતભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ભોગ બનનાર મહિલાઓ દ્વારા આ કંપનીના બનાસકાંઠાના એક ગામમાં રહેતા માલિકો રમણ તેમજ તેજલને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને તેઓના રોકાણના પૈસા પરત આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
જ્યારે મેથાણ ગામમાં ત્રણ બહેનોને આ કંપની દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યા હતા.ઇન્દુબેન,સવિતાબેન અને સુશીલાબેન દ્વારા ગામની મહિલાઓને સ્કીમમાં રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બાબતે જરૂરી કાર્યવાહી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.