કલ્હાર નવરાત્રી ઉત્સવમાં અનોખું આયોજન
ગરબામાં પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો
70 પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રમ્યા રાસ ગરબા
સ્મશાનમાં પણ યોજાઈ નવરાત્રી મહોત્સવ
ભક્તો વેશભુષા ધારણ કરીને કરે છે ભક્તિ
સુરેન્દ્રનગરમાં કલ્હાર નવરાત્રી મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,તો બીજી તરફ સ્મશાન ગ્રુપ દ્વારા પણ સ્મશાનમાં માતાજીના ગરબા રમવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરના કલ્હાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના નવમા દિવસે એક અદભુત અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો.જેમાં 70 જેટલી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ અને બહેનોએ મન મૂકીને રાસ-ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો.સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પોતાના જ અંદાજમાં આત્મવિશ્વાસ સાથે ગરબા રમીને તેમની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે આર્ટીસ્ટો અને અન્ય ખેલૈયાઓએ પણ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ સાથે ગરબાની રમઝટ બોલાવીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.કલ્હાર નવરાત્રી મહોત્સવના આયોજકોએ આ ભવ્ય આયોજન દ્વારા સમાજમાં સમાનતા સાથે જીવન જીવવાનો એક નવો અને સકારાત્મક સંદેશ આપ્યો હતો.
તો બીજી તરફ સુરેન્દ્રનગર સ્મશાનમાં પણ માતાજીની ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.સ્મશાન ખાતે સ્મશાન ગ્રુપ દ્વારા એક ખાસ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રીના પ્રથમ દિવસથી જ માતાજીની આરાધના અને ભક્તિસભર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ખાસ કરીને સાતમ, આઠમ અને નોમના દિવસોમાં આ પરંપરા જોવા મળે છે. ભક્તો અહીં ચાચર નાંખે છે, એટલે કે માનતા પૂરી કરવા માટે વેશ ધારણ કરે છે, અને માતાજીના ચરણોમાં પોતાની આસ્થા વ્યક્ત કરે છે. વધુમાં સુરેન્દ્રનગર જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા.