સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજવી પરિવારના દિગ ભુવન નામના રાજમહેલમાં ફેબ્રુઆરી માસ દરમિયાન કુલ ૫૬ કિલો ચાંદી તેમજ એન્ટીક વસ્તુઓની ચોરી બનાવ બન્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખી રાજમહેલમાં ચોરી કરનાર ધ્રાંગધ્રાના ૬ શખ્સોને કુલ રૂપિયા ૨૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.
લીંબડી ખાતે આવેલ રાજવી પરિવારના રાજમહેલમાંથી અંદાજે ૫૬ કિલો ચાંદી તેમજ અન્ય એન્ટીક વસ્તુઓની ચોરી થતાં લીંબડી સહીત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. રાજવી પરિવાર દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને અગાઉ રાજમહેલમાં તેમજ અન્ય જગ્યાએ થી કિંમતી સામાનની ચોરીમાં સંડોવાયેલા શખ્સોની હિલચાલ પર બારીક નજર રાખવામાં આવી રહી હતી તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર રહેતા ૬ શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે અને તેમની પાસે ચોરી કરેલો કિંમતી મુદ્દામાલ પણ છે તે બાતમીના આધારે પોલીસે તમામ શખ્સોને દબોચી લીધા હતાં.
આરોપીઆે પાસેથી ૨૯ કિલો ચાંદી, રોકડ રકમ રૂપિયા ૬,૪૫,૬૭૦ તેમજ ચોરી કરેલ ચાંદીના તારવાળા રજવાડી કાપડ,ઘડીયાળો સહીત કુલ રૂપિયા ૨૪,૦૮,૩૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તસ્કર ગેંગે ફેબ્રુઆરી માસ દરમિયાન અલગ અલગ ૮ દિવસોમા ૮ વાર મહેલમાં પ્રવેશ કરી લોખંડના કટર વડે મહેલની બારીની ગ્રીલ કાપી ચોરીને અંજામ આપ્યો હતો. મહેલમાંથી ચોરી કરેલી વસ્તુઓ પૈકી ૧૫ કિલો ચાંદીની વસ્તુઆે અમદાવાદના અરૂણ વજુભાઇ વિરમગામીયાને વેચી હતી. જ્યારે બીજી વસ્તુઓ ચાંદીની એન્ટીક વસ્તુઓ હોય તેનાં વધારે રૂપિયા મેળવવા તસ્કર ગેંગના મુખ્ય સુત્રધાર કાટીયો નરશીભાઇ વિરમગામીયા તથા અમદાવાદ નો અરૂણ વજુભાઇ વિરમગામીયા પ્લેનમાં દિલ્હી અને મુંબઇ સુધી જઇ આવ્યા હતાં. જેમાં દિલ્હીમા ખીમાબેન શ્રવણભાઇ તાજપરીયાને ૪ કિલો ચાંદીની વસ્તુઓ રૂપિયા ૧,૪૦,૦૦૦ માં વેચી હતી. આ તસ્કર ગેંગના તમામ સભ્યો રીઢા ગુનેગારો છે અને ગેંગના તમામ સભ્યો એકવારથી વધુ વખત જેલની હવા ખાઇ ચુક્યા છે જેમાં ચોરી, મારામારી, પ્રોહિબીશન સહીતના ગુનાઓ સામેલ છે ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર બે વ્યક્તિઓ સામે પણ પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલ આ તસ્કર ટોળકીની પુછપરછમાં અન્ય ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ પોલીસને આશા છે.
ઝડપાયેલ આરોપીના નામ
૧-કાટીયો નરશીભાઇ વિરમગામીયા
૨-કમલેશ નરશીભાઇ વિરમગામીયા
૩-કાયો પોપટભાઇ કુંઢીયા
૪-દિલીપ પોપટભાઇ કુંઢીયા
૫-સંજય પભાભાઇ ધ્રાંગધરીયા
૬-સુરેશ પોપટભાઇ કુંઢીયા