ખનિજ માફિયાઓ સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવાય
ચોટીલા નાયબ કલેક્ટર-ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી
ખનીજ માફિયાના અનધિકૃત બાંધકામ સામે કાર્યવાહી
11 દુકાનો સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યા
તંત્રની કડક કાર્યવાહીના પગલે અન્ય તત્વોમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાની હોટલ તેમજ દુકાનો પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનિજ માફિયાઓ સામે તંત્રની તવાઈ ચાલી રહી છે. આ પ્રકરણમાં ચોટીલા વિસ્તારમાં ખનિજ માફિયાઓ દ્વારા બનાવામાં આવેલ અનધિકૃત તબાણો તોડી પાડવામાં આવ્યા છે. વર્ષ 2019થી વિઠ્ઠલ જાગા અને રાહુલ જાગાની હોટલ ગોકુલ ગ્રાન્ટેજ વિરુદ્ધ નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિઠ્ઠલ જગા અને તેના પુત્રએ જામવાડી વિસ્તારમાં 6 હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને હોટલનું બાંધકામ કર્યું હતું. જોકે, હોટલ ખાલી કરવા તેમજ હોટલ તોડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી, ત્યારે વિઠ્ઠલ જાગાની મિલકત ગોકુળ ગ્રાન્ટેજ હોટલ, લક્ઝરી બંગલો, વિશાળ પાર્કિંગ, પંચરની દુકાન, ટ્રક સર્વિસ સ્ટેશન, બગીચો મળી અલગ અલગ 11 દુકાનો સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
આ હોટલમાં અને અનધિકૃત બાંધકામમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગેની પ્રવૃત્તિ ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચોટીલા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા રૂ. 12 કરોડથી વધારે રકમની અને અનધિકૃત દબાણવાળી ફોરેસ્ટ અનામતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.