સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં કામ કરતા અગરીયાઓને મુંબઈના બ્લેસ ગ્રુપ દ્વારા પાણીની ટાંકી અને કપડાં સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં 2500 જેટલા પરિવાર મીઠાની ખેતી સાથે સંકળાયેલા છે. તેમની મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે. કારણ કે, રણમાં તંત્ર દ્વારા ભાગ્યે જ 15થી 20 દિવસમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ હવે શિયાળાની ઋતુ શરૂ થઈ છે, ત્યારે ખુલ્લા આકાશ નીચે રહેતા અગરીયાના પરિવારો ઠંડીનો સામનો કરીને મીઠું તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે, જ્યારે અગરિયાઓ પાસે પીવાનું પાણી ભરવાનું કોઈ સાધન ન હોવાથી તેઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે.
આ પરિસ્થિતિને જોતા મુંબઈ ગોરેગાંવના બ્લેસ ગ્રુપ દ્વારા દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટીના સહયોગથી બાળકોને 500 લિટર પાણીની ટાંકી, ગમ બુટ, રૂમાલ, ધાબળા અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી અગરિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને તેઓએ જણાવ્યું હતું કે, હવે અમારે પીવાના પાણી માટે શોધખોળ ન કરવી પડે અને મીઠું પકવવાનું કામ સારી રીતે કરી શકીએ તે માટે આ ટ્રસ્ટ દ્વારા અમને પાણીની ટાંકી આપવામાં આવી છે, જેથી અમે સંસ્થાનો આભાર માનીએ છે.