Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રની હત્યાનો મામલો, સાસરી પક્ષના લોકોને લાકડે હાથ અડાડવા સામે પિયર પક્ષનો નનૈયો

લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં માતા અને પુત્રની હત્યા બાદ બન્ને મૃતદેહોને ઘરે લવાતા દીકરીના પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. જેમાં પોલીસ દ્વારા ભારે સમજાવટ બાદ અંતે ફક્ત પિયર પક્ષના લોકો દ્વારા માતા-પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી માતા અને પુત્રની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ હતી. જેમાં પતિ ઘરમાં હાજર મળી ન આવતા પોલીસે પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા, જ્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ખુદ જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યા પણ તાકીદે લીંબડી દોડી આવ્યા હતા. અને મોતનું સાચું કારણ જાણવા માતા-પુત્રના મૃતદેહને ફોરેન્સિક લેબ માટે રાજકોટ હોસ્પિટલ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. આ ડબલ મર્ડર કેસની ઘટનાએ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ચકચાર મચાવી દીધી હતી. તો બીજી તરફ, ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ માતા-પુત્રના મૃતદેહને લીંબડી ભીમનાથ સોસાયટીમાં લવાયા બાદ મૃતક મહિલાનો ભાઇ ગાડી આગળ સુઈ જઈને હત્યારા આરોપી ચિરાગના કૌટુંબિક ભાઇ પાર્થને લાવવાની જીદ પકડી બધાની હાજરીમા એમના સમાજને હવે કોઈ દીકરી નહીં આપે એવુ જણાવવાની જીદ પકડતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ સાસરી પક્ષના અને સમાજના લોકોને લાકડે હાથ અડાડવા માટે પિયર પક્ષના લોકોનો નનૈયો ભણી દેવામાં આવ્યો હતો. આ સમયે લોકોની ભારે ભીડ વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફક્ત પિયર પક્ષના લોકો દ્વારા જ માતા-પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લીંબડીની ન્યુ શ્રધ્ધા સ્કુલના આચાર્ય દ્વારા મૃત બાળકને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ શાળાના બાળકોએ પાંજરાપોળમાં જઈ પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો.

Next Story