Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : થાનગઢના સુશોભિત દેશી કોડીયાએ લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ, તમે પણ જુઓ..!

કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે સુશોભિત કોડીયાઓની માંગમાં ભારે વધારો જોવા મળ્યો છે, ત્યારે કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માટલાં અને ગરબી તેમજ દીવા કરવા માટેના કોડીયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે, ત્યારે હાલ દિવાળીના તહેવાર નિમિત્તે દીવા કરવા માટેના વિવિધ કોડીયાઓની ભારે માંગ રહેતી હોવાથી કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે. આ પરિવારો વિવિધ પ્રકારના સાદા તેમજ સુશોભિત અને કલરફૂલ વર્ક કરેલા આકર્ષક કોડિયા બનાવી રહ્યા છે, ત્યારે કોડિયાને કલર કરવો તેમજ વિવિધ પ્રકારની ડીઝાઈનો કરવા સહિતના કામ કરવાથી સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળી રહે છે.

જોકે, કોડિયાનું ઉત્પાદન કરનાર નવનીતભાઈએ જણાવ્યું હતું કે, તેમના યુનિટમાં 150થી વધુ વેરાયટીઓ જોવા મળે છે. તેમ જ 50 પૈસાથી લઈને 50 રૂપિયા સુધીની કોડિયાની વેરાયટીઓ જોવા મળે છે. દિવાળી સમયે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કોડિયાઓની ખૂબ જ માંગ રહેતી હોય છે. આ સમય દરમિયાન 8થી દસ 10 નંગ દિવડાનું વેચાણ થતું હોય છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામીલનાડુ સહિતના અલગ અલગ રાજ્યોમાં કોડિયાની નિકાસ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મેક ઇન ઇન્ડિયા ઉપર ભાર આપી રહ્યા છે, ત્યારે ચાઇનીઝ દિવડા અને લાઈટોના બદલે આપણા દેશના દેશી કોડિયા દ્વારા દિવાળીનો તહેવાર ઉજવવાથી આપણા દેશનો પૈસો આપણા દેશમાં જ રહેશે એવું પણ માનવમાં આવી રહ્યું છે.

Next Story