સુરેલની સીમમાં વરસાદી પાણીની જમાવટ
ખેતર ટાપુ સમાન બનતા ખેડૂતોમાં ચિંતા
1000 વીઘા જમીન પાણીમાં ગરકાવ
સરકારના બંધપાળા અવરોધરૂપ બન્યા
ખેડૂતોની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.અને પાકને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણને અડીને આવેલ સુરેલ ગામની સીમ વિસ્તારમાં સરકાર દ્વારા બંધપાળો બનાવવામાં આવ્યો છે.જેના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભો થયો છે.આશરે 1000 વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે.જેના કારણે આ વર્ષે ચણાનું વાવેતર થઈ શકે તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આ સમસ્યા અંગે ખેડૂતો દ્વારા સરકારી અધિકારી તથા દસાડાના ભાજપના ધારાસભ્યને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી,જ્યારે આ વરસાદી પાણીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.